આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા, જવાબદાર તંત્રવાહકોનો "ખો" દાવ શરૂ
આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા, જવાબદાર તંત્રવાહકોનો "ખો" દાવ શરૂ
સમય મિરર, રાજકોટ
ફ્રેમ સ્ટ્રકચર રૂપી મોતનો માંચડો ખડકવાની પરવાનગી આપી હોય એવા જવાબદારોને સજા આપવા માંગ
મૃતદેહો એ હદે સળગી ગયા કે વાલીઓ પણ પોતાના વ્હાલાસોયા બાળકોની લાશ ઓળખી ન શક્યા, તમામના DNA ટેસ્ટ કરાવાશે
શહેરના કાલાવડ રોડ પર ફાઈવ સ્ટાર એવી સૈયાજી હોટલ ની નજીક આવેલા ટી.આર.પી ગેમિંગ ઝોનમાં સાંજે 4:30 વાગ્યાની આસપાસ સેંકડો બાળકો વિવિધ ગેમ નો આનંદ માણી રહ્યા હતા ત્યારે જ ગેમ ઝોનમાં અચાનક આગ લાગતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. એ.સીમાં ધડાકો થયા બાદ આગ લાગી હતી અને ખૂબ જ ઝડપથી આગ પ્રસરી જતાં બચાવો.. બચાવોની ચિસોથી વાતાવરણમાં કરૂણ આક્રંદ છવાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની આઠથી વધુ ગાડીઓ નો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને જોત જોતામાં બાળકો અને વયસ્કો ના મૃતદેહો એક પછી એક રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચતા ભારે કરૂણ અને કલ્પનાતીત દ્રશ્યોથી વાતાવરણ ગંભીર બની ગયું હતું. બીજી તરફ આગની ઘટનાની જાણકારી મળતાં જ ઘણા વાલીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને કરૂણ કલ્પાંત સાથે પોતાના વ્હાલા સંતાનોની બહાવરા બની શોધખોળ કરતા જોવા મળ્યા હતા. આગના બનાવની કરુણતા તો એ હતી કે મોટ્ટા ભાગના મૃતદેહો એ હદે સળગીને કોલસો બની ગયા હતા કે તમામના ડી.એન.એ. ટેસ્ટ કરાવીને વાલીઓને મૃતદેહો સોંપવામાં આવશે.
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવાની તંત્રની કુટેવ મુજબ સીટની રચના કરવા ની સરકારે જાહેરાત કરી છે. રાબેતા મુજબ જ રાજનેતાઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી દેવાની સૌજન્ય દાખવવામાં જરા પણ મોડું કર્યું ન હતું. સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સાંત્વના પાઠવી હતી.
પણ સિસ્ટમ ફેઇલ થવાની જવાબદારીની ફેંકાફેંકી પણ તરત જ શરૂ કરી દેવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત રાજનેતાઓ પણ તરત જ ઘટનાની ગંભીરતા સમજીને સ્થળ પર દોડી ગયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર આ ગેમિંગ ઝોનમાં 45 કર્મચારી નો સ્ટાફ હતો. જો કે આ લખાય છે ત્યારે તે પૈકી કોઈનું મોત થયું હોવાનું હજુ સામે આવ્યું નથી ત્યારે એવું લાગી રહ્યું છે કે આગ ભડકતા જ તમામ સ્ટાફ બાળકો અને તેમના વાલીઓને ભગવાનના ભરોસે છોડી સૌથી પહેલા જ નાસી છૂટ્યો હતો.
મૃતકનાં પરિજનોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની રાબેતા મુજબ નફ્ફટ જાહેરાત
મૃતકનાં પરિજનોને 4 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જો કે આવી સહાય ને શું ધોઈ પીવી છે? જેના સંતાનો કે પરિજનો તંત્રની, સિસ્ટમની લાપરવાહીને કારણે આ કરુણાંતિકા સર્જાઈ તેના જવાબદારોને સજજડ અને દાખલારૂપ સજા ત્વરિત ગતિએ આપવી જોઈએ તેવી માંગ મૃતકોના પરિજનો ભારે આક્રોશ સાથે કરી રહ્યા છે.
પી.એમ. મોદીએ મૃતકોને શ્રધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાની જાણકારી મળતા જ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રધાંજલિ પાઠવી મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી. ચૂંટણી પ્રચાર અર્થે પંજાબ પહોંચેલા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ પણ ત્યાંથી દુઃખ વ્યક્ત કરી પોતે મૃતકોના પરિવારના દુઃખમાં સહભાગી હોવાનું જણાવ્યું હતું.
જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને જવાબદારોને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને છોડવામાં નહિ આવે તેમ જણાવી દુઃખ વ્યક્ત કર્યું હતું.
રાજકોટમાં તમામ ગેમઝોન બંધ કરવા પોલીસ કમિશ્નરનો હુકમ
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, આગ ઓલાયા બાદ અંદર જઈને તપાસ થશે કે અંદર કેટલી કેઝ્યુઅલ્ટી છે અને સાથે-સાથે આગ લાગવા પાછળનું કારણ જાણવા મળશે. હાલમાં રાજકોટમાં તમામ ગેમઝોન બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તમામ ગેમિંગઝોનનું ઓડિટ કરવામાં આવશે. હાલમાં હોસ્પિટલ તંત્ર સાથે ચર્ચા કરી છે. તમામ ઈજાગ્રસ્તોની તાત્કાલીક સારવાર કરવામાં આવશે. ઉપરાંત મૃતદેહો વધારે દાઝી ગયા હોવાથી ડી.એન.એ. રિપોર્ટ સહિતની કાર્યવાહી કરી વાલી વારસને સોંપવામાં આવશે. આ ઘટનામાં ફરિયાદ નોંધી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ખાતરી આપી છે.
રાજ્યભરમાં તમામ ગેમઝોન બંધ કરવા સરકારનો આદેશ
ગેમ ઝોનમાં લાગેલી આગે મોતનું તાંડવ રચતા રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. અને જેને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપી રાજ્યભરના તમામ ગેમ ઝોનમાં ઇન્પેક્શન ન થાય ત્યાં સુધી તમામ ગેમઝોન બંધ રાખવા તમામ જિલ્લાના કલેકટરને આદેશ કર્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ સહિતનાએ શોક વ્યક્ત કર્યો
રાજકોટમાં વેકેશનના સમય દરમિયાન ગેમ ઝોનમાં ભભૂકી ઉઠેલી આગમાં 32 માનવ જિંદગી કાળના ખપરમાં હોમાય છે જેમાં માસુમ બાળકો સહિતના લોકોના મોત નીપજતા સમગ્ર રાજકોટ શહેર શોકમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતનાએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી યોગ્ય તપાસની ખાતરી આપી હતી.
એનઓસી અને ફાયર સેફટીના સાધનો વગર ધમધમતું હતું ગેમઝોન
સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં વેકેશનની મોજ માણવા આજુબાજુના વિસ્તારના લોકો આવતા હોય છે ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકી ઉઠેલી આગમાં બાળકો સહિત લોકો જીવતા ભૂંજયા હતા જેમાં જે મૃતકોમાં રાજકોટ સહિત આજુબાજુના વિસ્તારના લોકોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં પરંતુ જે સ્થળે મોતનું તાંડવ સર્જાયું હતું તે ટીઆરપી ગેમ ઝોન એનઓસી અને ફાયર સેફટીના સાધન વગર ધમધમતું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે
ગેમ ઝોનના ચારેય હરામખાયા સંચાલકો સકંજામાં
ગેમઝોનના ચારેય હરામખાયા સંચાલકો, માલિકો ને ત્વરિત ઝડપી લેવા કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌ પ્રથમ ક્રાઈમ બ્રાન્ચે યુવરાજસિંહ સોલંકીને પકડી પાડયો હતો. ત્યાર બાદ તરત જ માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને પણ સકંજામાં લેવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે હજુ કયા ક્યા જવાબદારોની ધરપકડ થાય છે એ જોવું રહ્યું.
મોતનો માંચડો ખડકવાની પરવાનગી કયા વિભાગના નાલાયક અધિકારીઓએ આપી?
ઉકત ગેમિંગ ઝોન પાર્ટી પ્લોટમાં માત્ર ને માત્ર લોખંડના ફ્રેમવર્ક સ્ટ્રકચર પર ખડકાયું હતું. આ ગેમિંગ ઝોનમાં ચાર દિવસ પૂર્વે જ પોતાના સંતાનને લઈને ગયેલા અને માત્ર 20 મિનિટમાં જ બહાર આવી ગયેલા એક બિલ્ડરે "સમય મિરર" સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સ્થળે તમામ મટીરીયલ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હતું. વાયરીંગ સહિતની તમામ સામગ્રી સેકંડહેન્ડ હોવાનું સ્પષ્ટ જોવા મળતું હતું. વેન્ટિલેટરની બિલકુલ વ્યવસ્થા ન હતી. ગભરામણ જેવું થતા હું મારા પુત્ર સાથે માત્ર 20 મિનિટમાં જ બહાર નીકળી ગયો હતો. આ જગ્યાએ રેસ્ટોરન્ટની ઉપર પણ અમુક ગેમ રમાડવામાં આવતી હતી. મોટ્ટા ભાગના ગેમિંગ મશીન જુનવાણી હોવાનું ખુદ મારા પુત્રએ મને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘણી શાળાઓ અને હોસ્પિટલોમાં ખાસ કરીને વિદ્યાનગર રોડ પર અગાસીમાં ફ્રેમીંગ કરીને મોતના માંચડા ખડકી દેવામાં આવ્યા છે એ તમામ માંચડા કોઈપણ સંજોગોમાં સત્વરે ઉતારવા જોઈએ.
ફાયર એન. ઓ. સી. લેવાયું જ ન હતું
સવાલ એ થાય છે કે સંચાલકોએ વધુ ખર્ચ બચાવવા આવડો મોટો મોતનો માંચડો ખડકી દીધો હતો. જ્યાં આગ લાગે તો બહાર નીકળવાની પ્રોપાર જગ્યા જ રહેવા દીધી ન હતી. આશરે 300થી વધુ લોકો એક સાથે ગેમિંગ ઝોનમાં રમી શકે અને ફરી શકે એવડા મોટા ફ્રેમિંગ સ્ટ્રકચરમાં ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા જેવા બની રહ્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે લોકોને બહાર નીકળવાનો કે અન્યોને બચાવવાનો સમય જ રહ્યો ન હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0